વડોદરા

કોરોના મહામારીના સંકટ સમયમાં પણ માનવતા નેવે મુકીને ઓક્સીજન સિલિન્ડરોના કાળાબજાર કરવાના કૈાબાંડમાં ડીસીબી પોલીસે ધરપકડ કરેલા અમદાવાદના આરોપીની કબુલાતના પગલે તેના કમિશન એજન્ટ સાગરીતને ડીસીબીએ આજે મોડી સાંજે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. હાલમાં કોરોનાના સંકટ સમયે રેમડેસિવિર ઇન્જેક્શન અને ત્યાર બાદ હવે ઓક્સિજન સિલિન્ડરની અછત ઊભી થવા પામી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી થતી હોવાની માહિતીના પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી જય મહેશ ગઢવી (કરણીનગર સોસાયટી, અમરાઈવાડી, અમદાવાદ)નો ડમી ગ્રાહક પાસે સંપર્ક કરાવ્યો હતો. જય ગઢવીને ફોન કરી ઓક્સિજન સિલિન્ડર બાબતે પૂછતાં તેણે કહ્યું મારી પાસે હમણા ૪૭ લિટરના ત્રણ સિલિન્ડર છે, તેની બજાર કિંમત રૂા.૧૫,૦૦૦ છે તેમજ તે સિવાય રૂા. ૩૦,૭૦૦ અને જીએસટી અલગથી ચૂકવવું પડશે તેમ જણાવ્યું હતું. પોલીસના ડમી ગ્રાહકે ઓક્સિજન લેવાની તૈયારી દાખવતાં જય ગઢવી પોતાની હોન્ડા અમેઝ કારમાં ત્રણ સિલિન્ડર લઇ વડોદરા આવતા જ ડીસીબીની ટીમે તેને અમિતનગર સર્કલ ખાતે ઝડપી પાડી તેની કારમાંથી ૩ ઓક્સિજન સિલિન્ડર કબજે કર્યાં હતા. ડીસીબીએ જય ગઢવીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તેની ઘનિષ્ટ પુછપરછ કરી હતી જેમાં તેણે કબુલાત કરી હતી કે તાજેતરમાં તેણે પાંચ મેડિકલ ઓક્સિજન સિલિન્ડરો ગૈારવ અરોરા નામના સાગરીત મારફત એક જરૂરિયાતમંદને ૧.૩૪ લાખમાં આપ્યા હતા જેમાં ગૈારવ અરોરોને ૨૬,૫૦૦ કમિશન નક્કી થતાં તેને ૨૦ હજાર ઓનલાઈન પેમેન્ટની ચુકવ્યા છે અને હજુ ૬૫૦૦ આપવાના બાકી છે.

આ વિગતોના પગલે પોલીસે જય ગઢવીના સાગરીત એજન્ટ ૩૯ વર્ષીય ગૈારવ અશોકકુમાર અરોરા (ગાલાહેવન એપાર્ટમેન્ટ, સોલા, અમદાવાદ)ને શોધી કાઢી તેની પુછપરછ કરી હતી. જાેકે તેણે ડીસીબીની ટીમને ગોળગોળ જવાબ આપી તપાસમાં સહકાર નહી આપતા પોલીસે તેની પણ કાળાબજાર કૈાભાંડમાં કમિશન લેવાના ગુનામાં અટકાયત કરી તેને અત્રે લઈ આવી છે. હાલમાં તેનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.