લખનૌ-

શનિવારથી સમગ્ર દેશભરમાં રસીકરણ શરૂ કરાયું છે અને એક દિવસ પછી પ્રમાણમાં ઓછી આડઅસરો જોવાઈ છે ત્યારે તેનાથી વિપરીત સમાચાર પણ મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એક વોર્ડબોય કે જેને શનિવારે રસી મૂકવામાં આવી હતી તેનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

આ ઘટનાની વિગત મુજબ રાજ્યના મુરાદાબાદની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વોર્ડ બોય મહિપલસિંહનું કોરોના રસી મુકાવ્યના બીજા દિવસે મોત થયું છે. પરિવારના સભ્યોએ એવો આરોપ મૂક્યો હતો  કે રસી આપ્યા બાદ મહિપાલની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને રવિવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું, જ્યારે વોર્ડ બોયના ઘરે પહોંચેલા મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે રસીની પ્રતિક્રિયાથી મૃત્યુ શક્ય નથી. તેમને શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવોની ફરિયાદ કરતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા મોતનાં કારણની પુષ્ટિ કરવામાં આવશે. તે જ સમયે, ડોક્ટર સહિત વધુ ચાર લોકોને રસીકરણ પછી તાવની ફરિયાદ છે.

મુરાદાબાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વોર્ડ બોય મહિપાલસિંહે શનિવારે જિલ્લા હોસ્પિટલ સેન્ટરમાં કોરોના રસી લીધી હતી. આ પછી તેણે નાઈટ ડ્યુટી પણ કરી હતી. રવિવારે બપોરે ઘરે પરત ફર્યા બાદ તેને શ્વાસ લેવામાં અને છાતીમાં સખ્ત દુખાવાની ફરિયાદ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મહિપાલના મોત અંગેની માહિતી મળતાં તેના ઘરે પહોંચેલા સીએમઓ ડોક્ટર એમસી ગર્ગ પણ પરિવારના સભ્યોને મળ્યા હતા. કહ્યું કે પોસ્ટ મોર્ટમમાં આખી પરિસ્થિતિ સાફ થઈ જશે. સીએમઓએ જણાવ્યું હતું કે કોરોનાની રસી અંગેની પ્રતિક્રિયા પ્રાથમિક તપાસમાં બહાર આવી નથી. પરિવારના સભ્યો છાતીમાં ભીંસ અને શ્વાસ લેવાની ફરિયાદ કરી રહ્યા છે. હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેમનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમથી પરિસ્થિતિ સાફ થશે.

બીજી તરફ મહિપાલના પુત્ર વિશાલે જણાવ્યું હતું કે પિતાને રસી આપવામાં આવ્યા બાદ જ સ્થિતિ વધુ વણસી છે. તેમ છતાં તેણે સ્વીકાર્યું હતું કે તેમને ન્યુમોનિયાની ફરિયાદ  પણ હતી, છતાં રસીથી અચાનક તેનું સ્વાસ્થ્ય બગડ્યું. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશકુમાર સિંહે જણાવ્યું હતું કે સીએમઓએ તેમને આ મામલે માહિતગાર કર્યા છે સીએમઓએ કહ્યું છે કે પોસ્ટમોર્ટમ થયા પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે.