અમદાવાદ-

બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કડીમાં ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી છે. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. RT-PCR ટેસ્ટની કામગીરી દરમ્યાન પેસેન્જરોને હાલાકી ન થાય તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં જ તમામ માટે ચા-નાસ્તાની સાથે બપોરના લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન VUI-202012/01 મળ્યો છે, ત્યારબાદ વિજ્ઞાન જહતમાં હલચલ તેજ છે. બ્રિટને પોતાને ત્યાં નિયમો કડક કરી દીધા છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યૂરોપના ઘણા દેશોએ યૂકેની ફ્લાઇટ પર બેન લગાવી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાના નવા સ્ટ્રેનના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, બ્રિટનમાં હાલની સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો છે કે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ઉડાનોને સસ્પેન્ડ કરી દીધી છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 કલાકથી શરૂ થશે. જે 31 ડિસેમ્બર મધ્યરાત્રી સુધી જારી રહેશે.