લોકસત્તા ડેસ્ક

આપણે સૌ જાણીએ છીએ કે માનસિક તાણ ઘટાડવા અને મૂડ ઠીક કરવામાં સંગીત ઉપયોગી સાબિત થાય છે. સંગીતમાં હીલિંગ પાવર હોય છે જે શારીરિક અને માનસિક વિકારનો ઈલાજ કરે છે. વર્ષોથી સંગીતને એક થેરાપી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

તેવામાં વધુ એક વાત સામે આવી છે કે ગર્ભાવસ્થામાં સંગીત સાંભળવાથી ગર્ભસ્થ બાળકનો બૌદ્ધિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ સારો થાય છે. માનવામાં આવે છે કે ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસી ગાળામાં સંગીત સાંભળવાથી લાભ થાય છે. ગર્ભાવસ્થાના નવમાં સપ્તાહની શરુઆતમાં બાળકના કાન બનવાનું શરુ થાય છે. 18માં સપ્તાહથી બાળક સાંભળવાનું શરુ કરે છે અને ત્યારબાદ તેમાં રોજ સાઉંડના પ્રતિ સેંસિટિવિટીમાં સુધારો થવા લાગે છે. 

25થી 26માં સપ્તાહ દરમિયાન બાળક બહારના અવાજો પર પ્રતિક્રિયા આપવાનું શરુ કરે છે. ત્રીજા ટ્રીમેસ્ટરમાં બાળક માતા અને આસપાસના લોકોનો અવાજ સાંભળી તેને ઓળખવા પણ લાગે છે. તેવામાં જ્યારે બાળક સંગીત સાંભળે છે તો બાળક વાઈબ્રેશન સાંભળે છે અને તેની ધુન પર મૂવમેન્ટ પણ કરે છે. સંગીત સાંભળવાથી બાળકના રિએક્શનમાં પણ સુધારો થાય છે. ગર્ભાવસ્થાનો સમય મહિલા માટે પણ તનાવપૂર્ણ રહે છે. તેવામાં સંગીત માતા માટે પણ લાભકારી સાબિત થાય છે.