આ મેદાન ક્રિકેટના ગોડ સચીનના ક્રિકેટ સન્યાસ અને ભારતની 28 વર્ષ પછી વિશ્વકપ જીતનું સાક્ષી રહ્યું છે!



ભારતીય ક્રિકેટે સાથે જાેડાયેલી આમ તો ઘણી મેમરિઝ છે, પણ ભારતની ધરતી પર જાે કોઈ ગોલ્ડન મેમરિઝની વાત કરીએ તો એ હતો ૨૦૧૧નો વિશ્વકપ. મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ૨૮ વર્ષના લાંબા ઇંતજાર પછી વિશ્વકપ પર કબજાે કર્યો હતો. અને જે મેદાન પર આ ભવ્ય જીત મેળવવામાં આવી હતી તેનું નામ છે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમે વિશ્વકપની જીત ઉપરાંત ક્રિકેટના ગોડ ગણાતાં સચીન તેંડુલકરનો ક્રિકેટ સન્યાસ જાેયો છે, સાથે સાથે રોહિત શર્માનું ડેબ્યૂ પણ જાેયું છે, પણ હવે એક નવી વાત સામે આવી છે. આ ઐતિહાસિક મેદાનને હવે પર્યટકો માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે.


મહારાષ્ટ્રના ટુરિઝમ મિનિસ્ટર આદિત્ય ઠાકરેએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે, સરકારનો વાનખેડે સ્ટેડિયમમાં પર્યટકોને પ્રવેશ આપવાનો પ્લાન છે. જાેકે, વાનખેડેની આજુબાજુ રહેતાં લોકોએ આદિત્ય ઠાકરેના આ પ્લાન સામે વિરોધ નોંધાવ્યો છે. લોકલ રેસિડેન્ટે આ બાબતને ટ્રાફિકની સમસ્યા અને તેઓની સુરક્ષા સાથે જાેડીને ચિંતા વ્યક્ત કરી છે. જાેકે, આપણાં ટોપિક પર પાછા ફરીએ તો મુંબઈને તમે ભારતનું પારંપારિક ક્રિકેટ પાટનગર તરીકે પણ ઓળખાવી શકો. 


ક્રિકેટની શરૂઆતથી અત્યાર સુધી મુંબઈમાં ત્રણ અલગ અલગ મેદાન પર ક્રિકેટનો ઈતિહાસ રચાઈ ચૂક્યો છે. કરીએ એક નજર


પહેલાં મેદાનની વાત કરીએ તો, બોમ્બે જિમખાના


બોમ્બે જિમખાના દેશનું સૌથી જૂનું મેદાન. બોમ્બે જિમખાનાએ ભારતની પહેલી ટેસ્ટ મેચની યજમાની કરી હતી. બોમ્બે જિમખાનાનો ઈતિહાસ પણ રોચક છે. વર્ષ ૧૮૭૫માં અહીં પહેલી ટેસ્ટ રમાઈ હતી. એ વખતે બોમ્બે જિમખાના ફક્ત યૂરોપિયન લોકો માટે ખુલ્લું હતું. હાલત એવી હતી કે, આ મેદાન પર ભારતીયોમાં ફક્ત સર્વન્ટને એન્ટ્રી આપવામાં આવતી હતી. ભારતીય ક્રિકેટના દિગ્ગજ રણજીતસિંહજીને પણ આ મેદન પર જતાં અટકાવવામાં આવ્યાં હતાં. જાેકે, ભારતીય ક્રિકેટર્સ માટે પાછળથી આ નિયમો બદલવામાં આવ્યાં હતાં.


બોમ્બે જિમખાન પછી નંબર આવે બેબ્રોન સ્ટેડિયમનો!


બ્રેબોન સ્ટેડિયમ મતલબ કે સીસીઆઇ - ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા. ૧૭ વર્ષ સુધી આ મેદાનને ઓફિસિયલી ક્રિકેટબોર્ડ દ્વારા યૂઝ કરવામાં આવ્યું હતું. જાેકે, સીસીઆઇ અને બીસીએ - બોમ્બે ક્રિકેટ અસોસિએશન વચ્ચે વિવાદ બાદ બ્રેબોન સ્ટેડિયમની કિસ્મત બદલી ગઈ હતી. સીસીઆઇ અને બીસીએ વચ્ચે મેચની ટિકિટોની વહેંચણીને લઈને મોટો વિવાદ થયો હતો. ૧૯૭૩માં ભારત - ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ પછી આ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. એ પછી રાજનેતા અને બીસીએના સેક્રેટરી શેસરાવ કૃષ્ણરાવ વાનખેડેએ એક અલગ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો.

એવું કહેવામાં આવે છે કે, માત્ર ૬ મહિનાની અંદર ૧૯૭૫ની સાલમાં બ્રેબોન સ્ટેડિયમથી થોડાં અંતરે ૪૫ હજાર દર્શકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું વાનખેડે સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું હતું. એ પછી વાનખેડે સ્ટેડિયમ અસ્તિત્વમાં આવતાં જ બ્રેબોન સ્ટેડિયમની છબિ ખતમ થઈ ગઈ હતી.


વાનખેડે સ્ટેડિયમનો શું છે ઈતિહાસ?


- વાનખેડે સ્ટેડિયમ બન્યાં પછી ૧૯૭૫માં ભારત - વેસ્ટઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. પહેલી મેચમાં જ આ મેદાન આંતરરાષ્ટ્રીય સ્તરે ફેમસ થઈ ગયું હતું! કારણ - આ મેચમાં ક્લાઇવ લોઇડે ઐતિહાસિક ડબલ સેન્ચૂરી મારીને ૨૪૨ રન એકલા હાથે કર્યાં હતાં. આ સાથે ભારત ક્રિકેટના દિગ્ગજ મંસૂર અલી ખાન પટૌડી માટે આ આખરી ટેસ્ટ મેચ સાબિત થઈ હતી. ભારત આ મેચ ૨૦૧ રનના માર્જિનથી હારી ગયું હતું.

- નવાં બનેલાં આ મેદાન પર પ્રેક્ષકો પણ ઉમટી પડ્યાં હતાં. ક્લાઇવ લોઇડની બેટિંગ પછી પ્રેક્ષકો મેદાન પર દોડી ગયાં હતાં. પોલીસે પણ ભાગદોડ કરવી પડી હતી.

- જાન્યુઆરી ૧૯૭૫માં પહેલી ટેસ્ટના બે વર્ષ પછી નવેમ્બર ૧૯૭૬માં ભારતને વાનખેડે સ્ટેડિયમ પર પહેલી જીત મળી હતી. ન્યૂઝીલેન્ડની સામે ૧૬૨ રને ભવ્ય જીત ભારતે નોંધાવી હતી. એ પછી અનેક રેકર્ડ અહીં બન્યાં છે અને તૂટ્યાં પણ છે.

- વાનખેડે પર સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્‌સમેનમાં વિનોદ કાંબલીના નામે રેકર્ડ છે. કાંબલીએ અહીં ૨૨૪ ૧૯૯૨-૯૩માં ટેસ્ટ મેચમાં બનાવ્યાં હતાં.

- રવિ શાસ્ત્રીના એક ઓવરમાં છ છક્કા મારવાના રેકર્ડનું સાક્ષી પણ વાનખેડે જ બન્યું હતું. રવિ શાસ્ત્રીએ આ મેદાન પર વડોદરાના તિલક રાજની બોલિંગમાં છ છક્કા ફટકાર્યાં હતાં.

- વર્ષ ૨૦૧૧માં વાનખેડેએ ભારતીય ક્રિકેટનો સૌથી મોટો ઈતિહાસ લખાતાં જાેયો હતો. ૨૮ વર્ષ પછી ભારતે ધોનીની આગેવાનીમાં વિશ્વકપ આ મેદાન પર જ જીત્યો હતો.

- વર્ષ ૨૦૧૩માં ક્રિકેટના ગોડ કહેવાતાં સચીન તેંડુલકરે પોતાની કરિયરની છેલ્લી ટેસ્ટ વાનખેડે પર જ રમી હતી. સચીને વાનખેડેની પીચને ચૂમીને સચીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ક્ષણ ખુબ જ ભાવુક હતી.