પાટણ-

પાટણ જીલ્લાના સમી તાલુકાના ગોચનાદ બસ સ્ટેન્ડ નજીક ગોધાણા ત્રણ રસ્તા પાસે ટેમ્પોની ટક્કરે ખેડૂતનું મોત થયુ છે. ગઇકાલે મોડીરાત્રે ત્રણ ખેડૂત રોડની સાઇડમાં ઉભા હતા તે દરમ્યાન અચાનક રાધનપુર તરફથી આવતાં ટેમ્પોએ તેમની પાછળથી ટક્કર મારતાં એક ખેડૂતનું મોત થયું છે, જ્યારે બે ખેડૂતોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

રાત્રે પાટણ જીલ્લાના સમી તાલુકાના ગોચનાદ બસ સ્ટેન્ડ નજીક ગોચનાદ ગામના ભરતભાઇ ચૌધરી અને રણછોડભાઇ ચૌધરી બાઇક લઇને ગોધાણા રોડ પર આવેલ ચણાના ખેતરમાં રાતવાસો કરવા નિકળ્યાં હતા. ગોધાણા ત્રણ રસ્તા પાસે રોડની ડાબી સાઇડમાં રબારી પેથાભાઇ જામાભાઇ મળતાં ત્રણે ખેડૂતો વાતચીત કરતાં હતા. ત્યારે અચાનક રાધનપુર તરફથી પુરઝડપે આવતા ટેમ્પો (નં. જીજે-૦૬-ઝેડ-૭૮૦૭)એ આવી ત્રણેયને ટક્કર મારતાં તેઓ સાઇડની ચોકડીઓમાં પડી ગયા હતા.

ટેમ્પોની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલ રબારી પેથાભાઇ જામાભાઇનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે ભરતભાઇ અને રણછોડભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે રાધનપુર શ્રીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ટેમ્પોએ આગળ જઇ એક ટ્રેક્ટરને પણ અડફેટે લીધુ હતું જેમાં બેઠેલા વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઇ ભરતભાઇએ ટેમ્પો ચાલક સામે સમી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.