વિશ્વના અનેક દેશોમાં વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને ત્યાંની સરકારો અને તંત્ર તેમજ આમ પ્રજા બેહદ પરેશાની સાથે જીવી રહી છે, જેમાં પ્રથમ છે નવા કોરોના સ્ટ્રેનનો હુમલો. ત્યારબાદ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રજાને ભડકાવી દીધા બાદની ગંભીર પરિસ્થિતિ અને ભારતમાં કૃષિ કાનૂન પરત ખેંચવાના મુદ્દે ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં દિલ્હી ઘેરવા શરૂ થયેલ ટ્રેક્ટર રેલી. વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે કોરોના નાથવાની રસી શોધાયા બાદ અનેક દેશોમાં આ બાબતે આમ પ્રજામાં શંકાના વાદળો ફરી વળ્યા હતા.


પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કેટલું સફળ રહ્યું અમેરિકા?


આમ પ્રજાનો વિશ્વાસ પેદા કરવા અમેરિકાના ત્રણ પૂર્વ રાષ્ટ્રપતિ, બ્રિટનના મહારાણી અને તેમના પતિ, ક્રાઉન પ્રિન્સ, પ્રેસિડેન્ટ ઈલેક્ટ અને બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરે કોરોના રસી લઇને આમ પ્રજામાં રસી લેવા વિશ્વાસ પેદા કર્યો છે. ત્યાર બાદ લોકોએ રસી લેવા લાઈનો લગાવી દીધી, એવા જ સમયમાં કોરોના વાયરસ નવા સ્ટ્રેન રૂપે ત્રાટક્યો અને ૭૦ હજારથી વધુ લોકોને માત્ર ૪૮ કલાકમાં જ ચપેટમાં લઈ લીધા હતા. તો ૬૦૦ ઉપરાંતના મોત થયાં હતા. જે કારણે ત્યાંના વડાપ્રધાને દેશભરમાં લોકડાઉન જાહેર કરવું પડ્યું છે. તે સાથે લોકોને ઘરમાં જ રહેવા કહી દીધું છે. બ્રિટનમાં કોરોના સમયથી અત્યાર સુધીમાં કુલ ૭૫ હજારના મૃત્યુ થયા છે. તે સાથે યુરોપમાં ખોલવામાં આવેલ તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. બ્રિટન સાથેની હવાઈ સેવાને કારણે સ્ટ્રેન સાથે પ્રવાસ કરતાં પ્રવાસીઓ અનેક દેશોમાં પહોંચી જતાં ૪૧ દેશોમાં નવો કોરોના સ્ટ્રેન પહોંચી ગયો છે, જેમાં જર્મની અને ઇઝરાયેલ તથા જાપાનમાં હજારોની સંખ્યામાં લોકો તેની ચપેટમાં આવી જતાં આ ત્રણેય દેશોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. 


દેશમાં કોરોના રસી બાબતે ઉત્પાદકો વચ્ચેની હુંસાતુસીને લઈને પ્રજામાં રસી બાબતે શંકાઓ


દેશમાં કોરોના રસી બાબતે ઉત્પાદકો વચ્ચેની હુંસાતુસીને લઈને આમ પ્રજામાં રસી બાબતે શંકાઓ પેદા કરી દીધી હતી. તેમાં એક નવી એપ દ્વારા રસી બાબતે તદ્દન જૂઠી વાતો વાયરલ થતાં સરકાર ખુદ ચિંતામાં આવી ગઈ છે. જોકે, સરકારે રદીયો આપ્યો છે, પરંતુ પ્રજામાં આ એપની કોઈ અસર નથી પડી. જ્યારે કે સરકારે દેશના તમામ રાજ્યોમાં ટ્રાયલ બેઝ રસી આપવાનું શરૂ કરી દીધું અને તેનાં પરિણામો સફળ રહ્યાં છે. હવે સરકાર એક સાથે વિવિધ રાજ્યોમાં આગામી તારીખ ૧૪મીથી રસી આપવા માટેના સેન્ટરો નક્કી કરી લીધા છે અને રસી આપવાનુ શરૂ કરશે. આ સાથે ભારતમાં યુકેથી આવેલા પૈકી ૭૧ જેટલી વ્યક્તિ સ્ટ્રેનની ચપેટમાં આવી જતાં આ તમામ લોકોને આરોગ્ય તંત્રએ પોતાની નજર હેઠળ રાખી જરૂરી સારવાર શરૂ કરી દીધી છે. જે તે રાજ્ય સરકારોએ જરૂરી પગલાં લીધા છે.


મહાસત્તા અમેરિકામાં પ્રજાનો આક્રોશ ચરમસીમાએ કેમ પહોંચ્યો?


મહાસત્તા અમેરિકામાં ટ્રમ્પના ટેકેદાર અમેરિકા બચાવોના સૂત્રો સાથે લાખોની સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉમટી પડ્યાં હતા. વોશિંગ્ટનમાં સંસદ ભવનમાં ઘૂસી જઈને તોફાન મચાવ્યું હતું. તેને ત્યાંની પોલીસે રોકવા ભારે મથામણ કરી હતી. ત્યાંના મીડિયાએ ટ્રમ્પના ભાષણો અટકાવી દીધા છે તો ટ્‌વીટર, ફેસબુક અને ઈન્સ્ટ્રાગ્રામે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કરી દેવા પડ્યા છે. અમેરિકામાં અત્યારે અસમંજસતા ભરી સ્થિતિ બની રહી છે. 


ભારતમાં સરકાર ખેડૂતોને સમજાવવામાં કેમ નિષ્ફળ રહી?


ભારતમાં નવા કૃષિ કાનૂન રદ કરવા દિલ્હીની બોર્ડરો પર ૪૩ દિવસથી જમાવડો કરીને આંદોલન કરી રહ્યાં છે. દિલ્હી તરફ જતાં તમામ રસ્તાઓ પર આંદોલન ચાલી રહ્યું છે, જે અહિંસક અને શાંત રહ્યું છે. સરકાર કૃષિ કાનૂન રદ કરવા તૈયાર નથી તે કારણે આગામી ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતો દિલ્હી ખાતે વિશાળ રેલી કાઢવા જઈ રહ્યાં છે, જેના અનુસંધાને આજે પંજાબ અને હરિયાણા રાજ્યથી હજારો ટ્રેક્ટરો સાથે ખેડૂતોની રેલીઓ નીકળી છે અને દિલ્હી તરફ આગળ વધી રહી છે. આ રેલીઓને રસ્તામાં સ્થાનિકોએ ખાવાની વ્યવસ્થા સાથે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રરહ્યું છે. ઠંડી અને વરસાદ વચ્ચે પણ ખેડૂતો અડીખમ છે અને તેમના જોશમાં કોઈ કમી નથી, પરંતુ દિવસે દિવસે ઉત્સાહ વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી તરફ જવાની તૈયારીમાં છે ત્યારે હવે દરેકની મીટ સરકાર ઉપર મંડરાયેલી છે.