જાણો, ઈ-કોમર્સ અને ઈન્સટન્ટ મેસેજીંગ શોપિંગમાં કેવી ક્રાંતિ લાવશે

ઓનલાઈન ઓર્ડર કરીને તમે મોટાભાગની ચીજાે પસંદ કરીને ઘરબેઠા મંગાવી શકો છો, તેને જાે તમે ઈ-કોમર્સની આખરી હદ માનતા હોવ તો હજી થોભો. દેશમાં એવી તૈયારી ચાલી રહી છે, જેનાથી તમે ઘરબેઠાં તમારા મનપસંદ અને પાછા સ્થાનિક કરિયાણાવાળાની દુકાનેથી સામાન મંગાવી શકશો અને તે પણ ઓનલાઈન શોપિંગની બધી સુવિધા સાથે.

રીલાયન્સ કંપની પોતાના ઈ-કોમર્સ એપ જીઓ-માર્ટને વ્હોટ્‌સેપથી જાેડવાનો પ્લાન આગામી ૬ મહિનામાં બનાવી રહી છે. એટલે કે, વ્હોટ્‌સેપ પર જ એક સેક્શન એવો હશે જેમાં જઈને તમે સીધા જીઓ માર્ટ પરથી સામાન ઓર્ડર કરી શકશો. આ માટેનું પેમેન્ટ પણ તમે વ્હોટ્‌સેપથી જ કરી શકશો અને જીઓ માર્ટ પરથી ડિલિવરીબોય થોડો જ સમયમાં તમારા ઘરના નજીકના રજીસ્ટર્ડ કરિયાણાવાળાને ત્યાંથી તમારે ત્યાં સામાન આપવા માટે પહોંચી જશે.

ભેજાબાજ નિષ્ણાતોએ એવી રીતે રસ્તો કાઢ્યો છે, જેનાથી નાના દુકાનદારોને પણ ફાયદો થાય અને તેઓ ઓનલાઈન શોપિંગ ઓફર કરતા વર્ચુઅલ સ્ટોર્સને ટક્કર આપી શકે. તેમને એપ બનાવવા માટે જે ભંડોળ જાેઈએ તેના અભાવમાં રીલાયન્સ જેવી કંપની તેમને એ ટેકનોલોજી ઓફર કરશે અને ગ્રાહકને પણ પોતાની પસંદના દુકાનદાર પાસેથી ખરીદી કર્યાનો સંતોષ મળશે.

એક અંદાજ મુજબ, દેશમાં ૭૦ લાખ જેટલી દુકાનો છે, જેમાં કેમિસ્ટ અને પાનવાળાની દુકાનો જાેડી દેવાય તો ૧ કરોડથી વધારે થાય છે. જાે વ્હોટ્‌સેપથી આ તમામને ઓનલાઈન સાંકળી શકાય તો કરિયાણાવાળાઓને મોટું માર્કેટ મળે એટલું જ નહીં પણ ગ્રાહકોને પણ શોપિંગમાં સુવિધા થઈ જાય.

નેટવર્ક કેવી રીતે કામ કરશે

વ્હોટ્‌સેપ અને જીઓમાર્ટનું નેટવર્ક જે પ્રકારે કામ કરશે તેનો તમને થોડો પરીચય છે જ. સ્વિગી કે ઝોમેટોને ઓર્ડર કરતાં તમને જુદા જુદા રેસ્ટોરન્ટની વાનગીઓ અને ભાવનું લિસ્ટ મોકલાય છે તેમજ જ્યારે તમે જીઓમાર્ટ પર સર્ચ કરશો કે તરત જ એ ચીજની વરાયટીઓ અને ભાવ જુદી જુદી કરિયાણાની દુકાને કેટલા છે અને કઈ શરતો છે, એ જાણવા મળી જશે. જેમ કે, જીરાસર રાઈસ કે બાસમતી રાઈસ અને તેનું કયું પેકીંગ કે બ્રાન્ડ એ તમામ વિગતો તમે ફોન પર જાેઈને ઓર્ડર કરી શકશો. ખાસ બાબત એ છે કે, પેમેન્ટ માટે પણ વ્હોટ્‌સેપ બહાર જવું નહીં પડે. તમે વ્હોટ્‌સેપ કે પછી જીઓમની દ્વારા પેમેન્ટ કરી શકશો. આજે પેટીએમ અને અનેક બેંકો દેશભરમાં લાખો દુકાનદારોને ત્યાં પીઓએસ મશીનો આપી ચૂક્યા છે. એનો અર્થ એ થાય કે, કરિયાણાની કે બીજી નાની દુકાનોના માલિકો પણ ઓનલાઈન પેમેન્ટ માટે તો સજ્જ છે જ.

વ્હોટ્‌સેપ પર પહેલા પણ જીઓમાર્ટના ઓર્ડર

જીઓમાર્ટ ગ્રોસરીની શરુઆત ૨૦૨૦માં થઈ હતી. ત્યારબાદ ફેસબૂકે જીઓમાં ૯.૯૯ ટકા હિસ્સો ખરીદવા માટે ૪૩,૫૭૪ કરોડ રુપિયાનો સોદો કર્યો હતો. ત્યારબાદ જીઓમાર્ટ એપની એન્ટ્રી એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્ટોર પર પણ થઈ છે. અત્યાર સુધીમાં તેને ૧ કરોડ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. સાથે જ હવે ગ્રાહકોને વ્હોટ્‌સેપ નંબર પર ગ્રોસરી ઓર્ડર કરવાની સુવિધા પણ મળી જશે.

હજી ૨૦૦ શહેરોમાં જ જાેડાણ થઈ શક્યું

દેશભરમાં જીઓમાર્ટ અને વ્હોટ્‌સેપ થકી નાના કરિયાણાના દુકાનદારોને જાેડવાનું કામ હજી માત્ર ૨૦૦ શહેરો પૂરતું જ થઈ શક્યું છે. હજી બાકીના ૨૦૦ શહેરોમાં આ કામ થઈ શક્યું નથી. જીઓનું નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને મેસેજીંગ એપ બંને ભેગા થઈને દેશભરના નાના દુકાનદારોને મજબૂત કરવાનું કામ કરશે. કરિયાણાની દુકાનેથી જીઓમાર્ટ દ્વારા ગ્રાહકને સામાન પહોંચાડવાથી રોજગાર વધશે એટલું જ નહીં પણ તેની સાથે ખેડૂતો અને નાના તથા મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને પણ સાંકળી લેવાતાં તેમને આર્થિક ફાયદો થઈ શકે.

હાલમાં દેશના અનેક શહેરોમાં આ રીતે રીલાયન્સ ફ્રેશ અને જીઓમાર્ટ દ્વારા ગ્રાહકોને સામાનની ડિલિવરી કરવામાં આવે છે.

કરિયાણાના વેપારીઓ સાથે કઈ શરતો

કરિયાણાના વેપારીઓ કે જે રીલાયન્સ જીઓમાર્ટ સાથે જાેડાવા માંગતા હોય તેમની પાસેથી બેઝિક ચાર્જ લેવામાં આવી શકે અને ત્યારબાદ તેને અમુક સમયે ફરી વસૂલવામાં આવે. તેમજ દરેક ઓર્ડર પર રીલાયન્સ દ્વારા કરિયાણા વેપારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવી શકે. હાલમાં ઝોમેટો કે સ્વિગીમાં આ રીતે જ ઓર્ડર દીઠ ચાર્જ વસૂલવામાં આવે છે.

અન્ય દેશોમાં આવું થાય છે

કોઈ મેસેજીંગ એપ દ્વારા ઈ-કોમર્સની સુવિધા મળે એવું ભારતમાં નવું લાગતું હશે પણ દુનિયાના અનેક દેશોમાં આ સામાન્ય છે. દાખલા તરીકે ચીનમાં વી-ચેટ નામની એપ થકી સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરી શકાય છે. ખુદ વ્હોટ્‌સેપે એવા અપડેટ્‌સ કર્યા છે જેને બિઝનેસ અકાઉન્ટ્‌સ પર લાગુ કરાશે. એટલે કે, જીઓમાર્ટ પરથી કરાતા ઓર્ડર્સ પ્રમાણે કસ્ટમર્સને ફેસબૂક અને વ્હોટ્‌સેપ થકી ચોક્કસ કંપની કે પ્રોડક્ટ્‌સની ટાર્ગેટેડ જાહેરખબર પણ બતાવવામાં આવશે. એક મત મુજબ, વ્હોટ્‌સેપની પેરન્ટ કંપની ફેસબૂકની વાર્ષિક કમાણીનો ૯૦ ટકા હિસ્સો જાહેરખબરો છે.

મોટી કંપનીઓનું પ્રભુત્વ થઈ શકે

આ તબક્કાને પગલે માર્કેટ પર કેટલીક મોટી કંપનીઓનું પ્રભુત્વ સ્થપાઈ જાય એવું બની શકે. કેમ કે, ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે આવી કંપનીઓ ભાવ સાથે બાંધછોડ કરીને પણ બજાર પર કબજાે કરવાનો પ્રયાસ કરશે. તેમાં નાના ઉદ્યોગકારોને કે કંપનીઓને નુકસાન થઈ શકે. તેમજ કંપનીઓ સાથે કે પછી વેપારીઓ સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ચોક્કસ પ્રકારનો સ્વાર્થ રાખીને ગાંઠ બાંધી દે તો બીજા વેપારીઓને પારાવાર નુકસાન પણ થઈ શકે. થોડો સમય પહેલાં ઝોમેટો અને કેટલીક રેસ્ટોરન્ટ્‌સ વચ્ચે આવી સાઠગાંઠ થઈ હોવાનું બહાર પણ આવ્યું હતું અને તેને પગલે ભારે સંઘર્ષ થયો હતો. એટલું જ નહીં પણ કંપનીઓ ગ્રાહકોને પોતાના હાથની કઠપૂતળી પણ બનાવી શકે.