લોકસત્તા ડેસ્ક

અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ વિશ્વના મહાસત્તાના વડાનું ઘર છે. આ સિવાય તેની ઓફિસ પણ છે. તેનો ઇતિહાસ એકદમ રસપ્રદ છે. બ્રિટને એક સમયે યુદ્ધ દરમિયાન તેને આગ ચાંપી દીધી હતી.

હવે વ્હાઇટ હાઉસમાં રહેશે જો બાઇડન


જો બાઇડને અમેરિકાનાં નવાં પ્રમુખ તરીકે શપથ લેતાં તેમનાં સત્તાવાર ઘરનું સરનામું પણ બદલાશે. પ્રમુખ તરીકે તેમનું નવું ઘર વ્હાઇટ હાઉસ હશે. તે વિશ્વની સૌથી જૂની લોકશાહીનું ઘર છે અને સાથે-સાથે વિશ્વના મહાસત્તાના વડાઓનું સત્તાવાર નિવાસસ્થાન પણ છે. આ વાઇટ હાઉસનો ઇતિહાસ એકદમ રસપ્રદ છે.

1792માં કરવામાં આવ્યો હતો શિલાન્યાસ

1791માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને તેની દ્દષ્ટિને સાકાર કરવા માટે આ જગ્યાને પસંદ કરી હતી. 1792માં તેનો પાયો નાખ્યો હતો. જેની ડિઝાઇન એક મૂળ આઇરિશ આર્કિટેક્ટ જેમ્સ હોબને કરી હતી. જ્હોન એડમ 1800માં પહેલીવાર તેની પત્ની અબીગેઇલ સાથે રહેવા આ બિલ્ડિંગમાં આવ્યા હતો. જોકે, આ બિલ્ડિંગનું નિર્માણ તે સમય સુધીમાં પૂર્ણ થયું ન હતું.


બ્રિટને લગાવી હતી આગ

1812માં યુદ્ધ ફાટી નીકળ્યાં પછી 1814માં બ્રિટને આ વિશાળ ઇમારતને આગ ચાંપી દીધી. આ પછી, તેને ફરીથી બનાવવાની કામગીરી જેમ્સ હોબનને સોંપવામાં આવી હતી, જ્યારે 1817માં ઇમારત તેનાં જૂનાં સ્વરૂપમાં પાછું ફર્યુ હતું. ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જેમ્સ મોનરો તેમાં રહેવા આવ્યાં હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન, 1824માં અહીં દક્ષિણ પોર્ટિકો બનાવવામાં આવ્યો હતો. તેનો ઉત્તર પોર્ટિકો 1829માં એન્ડ્રુ જેક્સન દ્વારા બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, અહીંના પોર્ટિકોનો અર્થ બ્લોક છે. 19મી સદી દરમિયાન આ ઘરને સંપૂર્ણપણે નવું બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો. જોકે, આ યોજના લાગું થઈ શકી નથી.


રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે તેનું સમારકામ કરાવી વ્હાઇટ હાઉસ નામ રાખ્યું

1902માં જ્યારે પ્રમુખ રૂઝવેલ્ટ સત્તા પર હતાં ત્યારે તેમણે આ ઇમારતની મરામત કરવાનું કામ શરૂ કર્યું હતું. તેણે તેનું સમારકામ ન્યૂયોર્કની અગ્રણી આર્કિટેક્ટ કંપની મેકકિમ મીડ એન્ડ વ્હાઇટને સોંપ્યું હતું. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિની કચેરી સત્તાવાર નિવાસસ્થાનને પ્રથમ અને બીજા માળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલની વેસ્ટ વિંગને તે સમયે ટેમ્પરરી એક્ઝક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ કહેવામાં આવતી હતી.


તેમણે 1901માં આ ઘરનું નામ વ્હાઇટ હાઉસ રાખ્યું હતું. રૂઝવેલ્ટ પછી જ્યારે વિલિયમ હોવર્ડ રાષ્ટ્રપતિ તરીકે અહીં રહેવા આવ્યા ત્યારે તેમણે ઓવલ ઓફિસની સાથે અહીં એક મોટી ઓફિસ વિંગ પણ બનાવી.

 ટ્રુમૈને કરાવ્યું હતું વ્હાઇટ હાઉસનું સમારકામ 

સમારકામના 50 વર્ષ બાદ આ ઇમારત નબળી પડી હોવાનું જણાયું હતું. જે બાદ તેનાં રિપેરિંગની જરૂરિયાત ફરી અનુભવાઈ હતી. આ વખતે જવાબદારી તત્કાલીન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમન દ્વારા આર્કિટેક્ટ લોરેંઝો વિન્સલોને આપવામાં આવી હતી. તેમણે આ ઇમારતને નવી શક્તિ આપી. તેની બાહ્ય દીવાલ દૂર કરવામાં આવી હતી. 1952 નવીનીકરણ પૂર્ણ થયાં પછી ટ્રુમન આ મકાનમાં તેનાં પરિવાર સાથે રહેવા પાછા આવ્યા હતા.


આ બિલ્ડિંગની અંદર 130થી વધારે રૂમ 

આ ઇમારતની દીવાલોમાં જ્હોન એડમથી લઈને આજ સુધીના તમામ રાષ્ટ્રપતિઓના ચિત્રો છે. તેનાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક સર્વિસ એરિયા છે. વિશ્વ નેતાઓના મનોરંજન માટે એક અલગ સ્થાન છે. અમેરિકન ઇતિહાસ વિશે માહિતી આપવા માટે એક સંગ્રહાલય પણ છે. આ બિલ્ડિંગમાં 132 ઓરડાઓ, 35 બાથરૂમ છે. આ સિવાય અહીં 412 દરવાજા, 147 વિંડોઝ, 28 ફાયરપ્લેસ, 8 સીડી અને ત્રણ એલિવેટર છે. અહીંના રસોડામાં લગભગ 140 મહેમાનો માટે ખાવાનું બનાવવાની વ્યવસ્થા છે. બાહ્ય દીવાલોને રંગવા માટે તે 2157 લિટર (570 ગેલન) પેઇન્ટ લાગે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકન ઇતિહાસમાં તેને ઘણીવાર રાષ્ટ્રપતિ મહેલ અને રાષ્ટ્રપતિ ગૃહ કહેવામાં આવે છે. આ સિવાય તેને ઘણી વાર એક્ઝિક્યુટિવ મેન્શન પણ કહેવામાં આવે છે.