હરિયાણા-પંજાબના કિસાનો અને મોદી સરકાર વચ્ચે કચ્છમાં પણ ૩૬નો આંકડો કેમ!?

પીએમ નરેન્દ્ર મોદી ૧૫ ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે હતાં. એક તરફ દિલ્હીમાં પંજાબ-હરિયાણાના કિસાનો કૃષિ કાયદા સામે બાયો ચડાવીને લડી રહ્યાં છે. એવાં સમયે પીએમ મોદી છેક કચ્છ આવીને પંજાબ-હરિયાણના જ કિસાનો સાથે બેઠક કરતાં નજરે પડ્યાં હતાં! તસવીરો પણ જાેવાં મળી! મોદીનો આ મેસેજ કંઈ સમજાયો નહીં! વીસ દિવસથી દિલ્હીની બોર્ડરને જામ કરીને આંદોલન ચલાવી રહેલાં કિસાનો વચ્ચે મોદીની આ કચ્છમાં કિસાનો સાથેની મુલાકાતનો મતલબ કંઈક અલગ કાઢવામાં આવી રહ્યો છે. મોદી કચ્છમાં હરિયાણા અને પંજાબના જે કિસાનોને મળ્યાં હતાં તેઓની કહાની પણ ઇન્ટરેસ્ટિંગ છે. 

ઓગસ્ટ, ૨૦૧૩માં કચ્છના આ શીખ કિસાનોએ દિલ્હીમાં આંદોલન કર્યું હતું!



તમને જણાવી દઈએ કે, હાલ પંજાબ-હરિયાણાના કિસાનો જે રીતે આંદોલન કરી રહ્યાં છે તેવું આંદોલન ઓગસ્ટ, ૨૦૧૩માં કચ્છના આ શીખ કિસાનોએ દિલ્હીમાં કર્યું હતું. એક મહિના સુધી આ કિસાનો દિલ્હીમાં ન્યાયની માગણી કરતાં ડેરાતંબુ તાણીને બેઠાં હતાં. એ પછી ગુજરાત સરકારે થોડું નમતું જાેખતાં તેઓ પરત આવ્યાં હતાં.

આઓ પહેલાં કચ્છના આ શીખ કિસાનોની કહાની શું છે? એ જાણીએ...

સૌથી પહેલાં એ જાણીએ કે આ શીખ કિસાનો ૧૯૬૫માં પંજાબ-હરિયાણા છોડીને કચ્છમાં કેમ વસ્યાં હતાં? ૧૯૬૫માં ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એ સમયે કચ્છનું રણ ક્ષેત્ર એકદમ વેરાન હતું. એ સમયે દેશના વડાપ્રધાન હતાં લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રીને લાગ્યું કે, બોર્ડર નજીકના વિસ્તારો વેરાન ન હોવા જાેઈએ. એટલે તેઓએ કચ્છના આ વેરાન વિસ્તારમાં સેંકડો શીખ કિસાનોને વસાવ્યાં હતાં. શાસ્ત્રીજી માનતાં હતાં કે, બોર્ડર વિસ્તારમાં વસ્તીને કારણે ભારતની સુરક્ષા ક્યારેય જાેખમાશે નહીં. ઘૂસણખોરીને પણ અટકાવી શકાશે.પીએમની અપીલ પછી ગુજરાત સરકારે ૧૯૬૫થી ૧૯૮૪ વચ્ચે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ૫૫૦ લોકોને સત્તાવાર રીતે અહીં જમીનો એલોટ કરી હતી. આ ૫૫૦માંથી ૩૯૦ તો પંજાબ-હરિયાણાના શીખ કિસાનો હતાં.

આ શીખ કિસાનોએ કચ્છની વેરાણ જમીનની શકલ કેવી રીતે બદલી?

૧૯૬૫માં પંજાબ અને હરિયાણાના કિસાનો કચ્છ આવ્યાં ત્યારે પોતાની સાથે નવી નવી ટેક્‌નોલોજી લઈને આવ્યાં હતાં. આ કિસાનોએ ખેતી કરીને અહીંનો માહોલ બદલી નાખ્યો હતો. કચ્છ કોટન એસોસિએશનના સેક્રેટરી શ્રીશ હરિયાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, આ કિસાનો આવ્યાં તે પહેલાં અહીં ૧ લાખ ગાંસડી કપાસની ખેતી થતી હતી. ૧ ગાંસડી બરાબર ૧૬૫ કિલોગ્રામ ગણાતું હતું.વર્ષ ૨૦૧૨માં એ વધીને ૫ લાખ ગાંસડીને પાર કરી ગઈ હતી. કચ્છના પૂર્વ જિલ્લા અધિકારીનું કહેવું છે કે, આ કિસાનોએ અહીંની બંજર જમીન પર કપાસ અને હાઇ ક્વોલિટીની મગફળીની ખેતી કરી છે.

કચ્છના વેરાન રણની શકલ પલટનારાં આ કિસાનોનું નસબી ક્યારે પલટી મારી ગયું?



અહીંના આ કિસાનોને ૨૦૧૦માં ગુજરાતની નરેન્દ્ર મોદીની સરકાર વખતે એક ઝટકો લાગ્યો હતો. એ વખતે કચ્છના ચીએમ હતા એમ.થેનરાસન. એમ.થનરાસને અહીંના આ વસેલાં પરિવારોમાંથી મોટાભાગનાને બહારના ગણાવી જમીનો પાછી લઈ લીધી હતી. લગભગ ૭૮૪ જમીનના ડોક્યૂમેન્ટ્‌સ સીઝ કરી દીધાં હતાં. આ ૭૮૪ જમીનમાંથી ૨૪૫ પંજાબ અને હરિયાણાના કિસાનો હતાં! બાકીના રાજસ્થાન અને મહારાષ્ટ્રના હતાં. બહારના હોવાનો થપ્પો લાગી ગયાં પછી આ કિસાનો અહીં ખેતી તો કરી શક્યાં ન હતાં સાથે સાથે જમીને વેંચીને બહાર જઈ શક્યાં પણ ન હતાં. જમીનો જતી રહી હોવાથી બેંકોએ પણ કરજ આપવાની ના પાડી દીધી હતી.

અચાનક ગુજરાત સરકારે આવું કેમ કર્યું હતું? શું કારણ હતું?

ગુજરાત સરકારે ૧૯૭૩માં એક અધિનિયમ પસાર કર્યો હતો. આ અધિનિયમ મુજબ, ગુજરાતમાં પૂર્વેજાેથી ખેતી સાથે જાેડાયેલાં ન હોય તેવાં લોકોને જમીન વેચી શકાય નહીં. આ અધિનિયમ મુજબ સરકારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કચ્છમાં વસેલાં આ કિસાનો સામે કાર્યવાહી કરી હતી.

પછી આ મામલે મોદી સરકારે શું કર્યું હતું?

આ મામલામાં વર્ષ ૨૦૧૧માં ગુજરાત હાઇકોર્ટે કિસાનોની તરફે હુકમ કર્યો હતો. સરકાર તેનાં નિર્ણયને લઈને હારી ગઈ હતી. મોદી સરકારે વટમાંને વટમાં આ મામલે હાઇકોર્ટના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

મોદી જેને મળ્યાં એ કિસાનો શું કહી રહ્યાં છે?

મીડિયા સાથેની વાતચીતમાં એક કિસાને કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનો ઇંતજાર કરી રહ્યાં છીએ. મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે અમારી વાત નોહતી માની તો હવે પ્રધાનમંત્રી છે ત્યારે અમને તેમની પાસેથી કોઈ આશા નથી.