દાહોદ, દાહોદ શહેરના નાના ઘાંચીવાડ સ્મશાન રોડ લાકડાના પીઠા પાસે આજે સવારે એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આગ થી બે બાળકી સહિત ત્રણ ભૂલકાઓ શરીરે સખત દાઝી જતાં તેઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આગમાં સોફા ગાદલા તેમજ ઘરવખરીનો સામાન બળી જતા અંદાજે રૂ.૧૫,૦૦૦ જેટલું નુકસાન થયાનું દાહોદ ફાયર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફાયર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દાહોદ શહેરના નાના ઘાંચીવાડ સ્મશાન રોડ લાકડાના પીઠા પાસે રહેતા અને કલરકામનો ધંધો કરતા અનવરભાઈ સલીમભાઈ પઠાણ સવારે કલર કામ કરવા ઘરેથી નીકળી ગયા હતા. જ્યારે તેમની પત્ની શાકભાજી લેવા બહાર ગયા હતા અને તેમના બાળકો ૬ વર્ષીય દીકરો અરમાન પઠાણ ચાર વર્ષીય દીકરી સારા પઠાણ તથા અઢી વર્ષીય દીકરી આરફા પઠાણ ઘરે હતા. તે દરમિયાન તેઓના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરી ઘરમાં તપાસ કરતા ઘરમાં રમી રહેલા ઉપરોક્ત ત્રણેય ભૂલકાઓ શરીરે સખત દાઝી જતા આસપાસના લોકોએ તાબડતોબ ત્રણેય ઈજાગ્રસ્ત ભૂલકાઓને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે બીજી તરફ આગ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.