રાજકોટ, પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે આસમાને આંબી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ ૯૭ રૂપિયાએ પહોંચી જતા રાજકોટમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે ત્રિકોણબાગ પાસે આવેલા પેટ્રોલ પંપ સામે રસ્તા પર સૂઇને વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇને સાયકલ રેલી યોજી હતી. કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે પેટ્રોલ પંપ પાસે રસ્તામાં સૂઇ જઇને વિરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ જાેડાયા હતા. વશરામ સાગઠિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં પોલીસે કોંગ્રેસના ૧૦ કાર્યકરોની અટકાયત કરી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રસની જેમ આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ કોટેચા ચોક ખાતે સાયકલ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સરકાર વિરોધ લખાણ લખેલા બેનર સાથે નીકળી પડ્યા હતા. આમ આદમી પાર્ટીની સાયકલ રેલીને પોલીસ મંજૂરી પણ આપી નથી. તેમ છતાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. જાેકે કોટેચા ચોકમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ દ્વારા પૂરા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને અને મોંઘવારીને લઇને અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે પેટ્રોલ અને ડીઝલમાં ૯૭ અને ૯૮ રૂપિયા ભાવ કર્યા છે તે ગેરવ્યાજબી છે. જ્યારે કોંગ્રેસની સરકારમાં ભાવ ૬૦ ઉપર ગયા નથી.