રાજકોટ,તા.૧૫

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક પછી એક કૌભાંડમાં સપડાતી જ જાય છે. હજી માટી કૌભાંડના પડઘા શાંત થયા નથી ત્યાં વધુ એક કૌભાંડની શંકા સેવાય રહી છે. નેક કમિટીના મૂલ્યાંકન સમયે ગાર્ડનિંગ કામ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લાખોનો ખર્ચ કર્યાનો કોંગ્રેસના નેતા નિદત બારોટે પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. આ અંગે તપાસ કરવા માટે માગણી કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટી દર વર્ષે ફૂલછોડના જતન માટે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં ૬ લાખનો વધારાનો ખર્ચ કર્યો છે. આ અંગે તપાસ થવી જરૂરી છે.

પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકનું ઈન્સ્પેકશન છે તે બહાના હેઠળ અનેક કામો ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરવામાં આવ્યા છે. જે પૈકી એક કામ યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં કરણ પિંક, ચંપો, સિલ્વર ચાંદની, જથરોપા, કોનોકાર્પસ વગેરેના છોડ લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પત્ર સાથે જાેડેલી યાદી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં ૬,૦૩,૬૨૬ રૂપિયાનો ખર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ૧૫થી ૨૦ બિલ્ડીંગોમાં માત્ર ફૂલછોડ સપ્લાય કરવામાં આવડી મોટી રકમનો ઉપયોગ થાય તે વાત ગળે ઉતરતી નથી.

ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા અને નાબાર્ડ જેવી એન્જસીઓ દ્વારા આ પ્રકારના ફૂલના છોડ માટેના બિયારણો વિનામૂલ્યે આપવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કાર્યાલય કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણતી હતી નેકની ટીમ ક્યારે આવવાની છે ત્યારે છેલ્લા દિવસે છોડ ખરીદવા નીકળવાને બદલે જાે યુનિવર્સિટીએ સમયસર છોડ વાવવાની પ્રક્રિયા શરૂ કરી હોત તો વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલા ૫ લાખ રૂપિયા જેવી મોટી રકમ ફૂલછોડને બદલે શિક્ષણમાં અથવા પ્રયોગશાળામાં, પુસ્તકાલયમાં અથવા વાંચનાલયમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં અથવા નેટ—સ્લેટના કોચિંગમાં વાપરી શક્યા હોત.