દિલ્હી-

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​એક પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “સરકાર અને વડા પ્રધાન હજી કોરોનાને સમજી શક્યા નથી. કોરોના માત્ર એક રોગ નથી, કોરોના એક બદલાતો રોગ છે. તમે જેટલો સમય અને જગ્યા આપશો તેટલું જોખમી બનશે. આ બીજી લહેર વડા પ્રધાનની જવાબદારી છે, વડા પ્રધાને જે નૌટંકી કરી, તેમની જવાબદારી નિભાવી નહીં, તેનુ કારણ આ બીજી લહેર છે. તેમણે કહ્યુ કે, વડા પ્રધાને જો વેક્સિન પર રણનીતિ ન બદલી તો ચોથી અને પાંચમી લહેર પણ નક્કી છે.

 રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર આરોપ લગાવ્યો હતો કે તમે જે રીતે કામ કરો છો તેના કારણે લાખો લોકો મોતને ભેટી રહ્યા છે, તેથી તમે તમારા કામ કરવાની રીતને બદલો. કોરોના માત્ર એક રોગ નથી, કોરોના એક બદલાતો રોગ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી રહ્યા છીએ પરંતુ કેન્દ્રએ અમારી વાત સાંભળી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષ તેમનો દુશ્મન નથી અને કોરોના રાજકીય મુદ્દો નથી. વાયનાડનાં કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં કોંગ્રેસ શાસિત રાજ્યોને બોલાવ્યા અને કહ્યું કે કોરોના મૃત્યુનાં આંકડાઓને સાચા બતાવે. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસનાં શાસિત અમારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે કે, તેઓ ભાજપની જેમ સત્યને છુપાવે નહીં, મૃત્યુનાં આંકડા છુપાવે નહીં, લોકોને સત્યથી વાકેફ કરાવવું જોઈએ. રાહુલે કહ્યું કે આનાથી લોકો પરેશાન થશે, પરંતુ તે સત્યને જાણશે.