ભુજ,તા.૨૬

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે ૨૦ પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મૂળ બસ મથકના સ્થળે છેલ્લા સાત વર્ષથી નિર્માણ કાર્ય ચાલતા એસટી બસ પોર્ટ શરૂ થવાની સ્થાનિક અને કચ્છના લોકો આતુરતાથી રાહ જાેતા હતા. એવા સાત વર્ષથી હંગામી બસ સ્ટેશનમાં કાર્યરત બસ ડેપોની કામગીરી અંતે હવે નવા બસ પોર્ટથી કાર્યવિંત થશે. જ્યાં દૈનિક એક હજાર જેટલી એસટી બસોની ટ્રીપના આવાગમનનું કાર્ય શરૂ થશે. એરપોર્ટ જેવા બસ પોર્ટમાં કચ્છીયત દર્શવતા ચિત્રો સાથે, આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ, એક્સેલેટર અને શોપિંગની સેવાઓ મુસાફરોને ઉપયોગી બની રહેશે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં ક્ષતિ પામેલા એસટી બસ સ્ટેશનના નવ નિર્માણ માટે વર્ષ ૨૦૧૭માં પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાત વર્ષ દરમિયાન મંગલમ નજીકના સ્થળે હંગામી બસ ડેપો કાર્યરત રહ્યો , જે લાંબા સમય બાદ આજે એટપોર્ટ સમકક્ષ નું બસ પોર્ટ ખુલ્લું મુકાયુ છે. જિલ્લા મથક ભુજ ખાતે આકાર પામેલા બસ પોર્ટમાં વિશાળ જગ્યામાં કોર્મિશયલ સેન્ટર સાથે આધુનિક સુવિધા યુક્ત બસ મથક નિર્માણ કરાયું છે. રૂ ૩૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટ અંદર પ્રવેશ માટે કુલ ત્રણ પ્રવેશ દ્વાર રખાયા છે. જેની ઉપર એલઇડી સ્ક્રીન મુકવામાં આવ્યા છે. જ્યારે અંદરની તરફ ૨૫૦ જેટલી દુકાનો બનાવાઈ છે. આ સાથે ત્રણ માળના સંકુલમા ચાર લિફ્ટ અને ચાર એક્સેલેટર લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. દૈનિક ૨૦ થી ૨૫ હજાર મુસાફરોની આવાગમન રહેવાની છે એવા બસ પોર્ટમાં પ્રવાસીઓની સલામતી અંતર્ગત ચારે તરફ સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા છે. જ્યારે વાહન પાર્કિંગ માટે બેઝમેન્ટમાં ૮૦ હજાર સ્ક્વેરફીટની જગ્યામાં સુવિધા ઉભી કરવામાં આવી છે, ૨૫૦ જેટલા દ્વિચક્રી વાહનો અને ફોર વહીલ વાહનો એક સાથે પાર્ક કરી શકાશે. આ સિવાય ૨૪ કલાક પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, એસટીના ડ્રાયવર અને કંડકટર માટે આરામની સુવિધા તેમજ મહિલા રેસ્ટ રૂમની અલગથી સેવા મળી રહેશે. પૂછપરછ અને ઓનલાઇન ટિકિટ બુકિંગ જેવી ડેપોની લોક ઉપયોગી સેવાઓ ચકચકિત કાચની ઓફિસો દ્વારા થતું જાેવા મળશે. જાેકે તમામ કામગીરી આગામી ત્રણ થી ચાર દિવસમાં રાબેતામુજબ શરૂ થશે. મુખ્યમંત્રીએ મંચ પરથી જણાવ્યું હતું કે આજના આઇકોનીક બસ પોર્ટના લોકાર્પણ બાદ હવે ગણાતા જાઓ વિકાસના કાર્યો થતા રહેશે. ધારાસભ્યો કામ કરે છે ને ? એમ રમૂજ કર્યા બાદ આગળ કચ્છના તમામ વિકાસકાર્યોની ગાથા વર્ણવી હતી. પીએમ મોદીનો સંકલ્પ છે કે ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ. જે પ્રમાણે આજના ભુજના બસ પોર્ટનું આજે લોકાર્પણ થયું છે. લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણા મંત્રી કનુ દેસાઈ, કચ્છના ધારાસભ્યોમાં રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.