અબુ ધાબી  

IPLની 13મી સીઝનની 13મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને અબુ ધાબી ખાતે 48 રને હરાવ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ પંજાબને 192 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ કરી શક્યું હતું. પંજાબ સામે મુંબઈની સૌથી મોટી જીત છે. આ પહેલાં મુંબઈએ પંજાબને 2016માં 25 રને હરાવ્યું હતું. મુંબઈનો કપ્તાન રોહિત શર્મા લીગમાં 5 હજાર રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. પંજાબ માટે નિકોલસ પૂરને સર્વાધિક 44 રન કર્યા. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટ્ટીન્સને 2-2 વિકેટ લીધી.   

192 રનનો પીછો કરતાં પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 5.4 ઓવરમાં માત્ર 39 રન કરીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ જસપ્રીત બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 18 બોલમાં 3 ફોરની મદદથી 25 રન કર્યા હતા. તે પછી કરુણ નાયર ત્રીજા બોલે ખાતું ખોલાવ્યા વગર કૃણાલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, જ્યારે લોકેશ રાહુલ સ્વીપ રમવા જતાં રાહુલ ચહરની બોલિંગમાં બોલ ચૂકી ગયો હતો અને બોલ્ડ થયો હતો. તેણે 19 બોલમાં 1 ફોરની મદદથી 17 રન કર્યા હતા.નિકોલસ પૂરન જેમ્સ પેટ્ટીન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 44 રન કર્યા હતા. એ પછી ગ્લેન મેક્સવેલ 11 રને રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.