આણંદ, તા.૨ 

તહેવારોની મોસમ હવે શરૂ થઈ રહી છે. આવતીકાલથી ગૌરીવ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ શાસ્ત્રોમાં ગૌરીવ્રતનું ખુબ જ મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે, પાર્વતીએ જયાપાર્વતી વ્રત સહિતની મહાપૂજા કરી હતી ત્યારે તેને ભગવાન શિવ પતિના સ્વરૂપમાં મળ્યાં હતાં. એ સમયથી આ પ્રથા ચાલી રહી છે. સારો પતિ મેળવવા માટે બાલિકાઓ ગૌરીવ્રત રાખે છે.

આવતીકાલ સવારથી ગૌરીપૂજનનો પ્રારંભ થશે. બાલિકાઓ ઘર આગળ જુવારના વાંસની દંડી દ્વારા ખેતર બનાવીને પૂજા અર્ચના કરશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અષાઢી તેરસથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. દર વર્ષે ગૌરીવ્રત અગાઉ બાલિકાઓમાં ભારે ઉત્સાહ જાવા મળતો હતો. બજારોમાં વિવિધ સામગ્રીની ખરીદી માટે ભીડ ઉમટી પડતી હતી. જાકે, આ વખતે કોરોના વાઇરસની મહામારીને લઈને સામૂહિક પૂજા પણ કરી શકાય તેવું નથી. આણંદ અને નડિયાદ શહેરના શિવ મંદિરો સહિત તમામ મંદિરોમાં સામૂહિક શિવપૂજનનો કાર્યક્રમ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે. ગૌરીવ્રત અને જયાપાર્વતી વર્ત કરતી બાલિકાઓ અને યુવતીઓ આ વર્ષે પોતાના ઘરે જ પૂજન કરી શકશે.

જાકે, દર વર્ષની જેમ ગૌરીવ્રતને લીધે વિવિધ સંસ્થાઓ દ્વારા આ વખતે પણ સૂકામેવો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરે વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વિતરણ થઈ શકે તેવી યોજના બનાવવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં સેવાભાવી લોકો દ્વારા પૂજાપાનું વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં ગૌરીવ્રત નિમિત્તે સેવાભાવી લોકો દ્વારા આજથી ગરીબ બાળાઓને સૂકોમેવો અને પૂજાપાની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

બાગ-બગીચા, થિયેટરો બંધ હોવાથી સમય ક્યાં પસાર કરવો?

આ વખતે કોરોનાની મહામારીને લઈને બાગ, બગીચા અને થિયેટરો બંધ હોવાથી બાલિકાઓને ઉપવાસ કર્યા બાદ સાંજનો સમય ક્યાં પસાર કરવો તે મોટો પ્રશ્ન થઈ પડ્યો છે. જયાપાર્વતી વખતે યુવતીઓએ જાગરણ પણ ઘરે બેસીને જ કરવું પડશે.