રાજકોટ-

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમા લાગેલી આગમાં આજે સારવાર દરમિયાન વધુ એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. ગાંધીધામના 66 વર્ષના થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જીવન સામેની જંગ હારી ગયા છે. ત્યારે અગ્નિકાંડનો કુલ મૃત્યુ આંક 6 થયો છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો હતો. આગની ઘટનામાં તે દિવસે 5 દર્દીઓના મોત થયા હતા. રાજકોટ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં ગોકુળ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ અને ડો. દિગ્વિજયસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરાયો હતો. સાથે જ ગોકુળ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટાની અટકાયત કરાઈ હતી. પોલીસ તપાસમાં હોસ્પિટલના ICU વોર્ડનો ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. ICU વોર્ડના ફાયર એક્ઝિટ ગેટ આડે મશીનો ખડકી દેવાથી ખૂલ્યા ન હતા, જેથી ગૂંગળામણથી 1 દર્દીનું મોત નિપજ્યું હતું.