ભેંસાણ-

ભાજપ અગ્રણીના કોન્ટ્રાક્ટર પુત્રએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણીના પુત્ર સરકારી કોન્ટ્રાકટર ધવલ કરશનભાઈ ડોબરીયા  રાજકોટ રૂડાના કાર્યપાલક ઈજનેર સહિત પાંચ ભાગીદાર કોન્ટ્રાકટરના ત્રાસથી જંતુનાશક દવા પી લઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈ અરેરાટી પ્રસરી જવા પામી છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ધવલ ડોબરીયાએ બે વર્ષ પહેલા રાજકોટની શ્રીજી કૃપા પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ નામની કન્સ્ટ્રંકશન કંપની પાસેથી રાજકોટના પિયુષ ઉર્ફે પિન્ટુ પાનસુરિયા મારફત પિન્ટુની સાથે ભાગીદારીમાં પેટામાં રૂડા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના,જુના સરકારી કામનો કોન્ટ્રાકટ રાખેલ હતો.જે કામમાં રૂ.૪ કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કર્યુ હતું અને આ રકમ ફસાઈ જતા ધવલ છેલ્લા ઘણાસમયથી ડીપ્રેશનમાં રહેતો હતો.

સોમવારે બપોરે ૨ વાગ્યે તે પોતાના રૂમમાં એકલો હતો, ત્યારે તેણે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ પરિવારને થતા તુરંત હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ સીવીલ હોસ્પિટલે રીફર કર્યા હતા, પરંતુ તે જૂનાગઢ પહોંચે તે પહેલા જ તેનું રસ્તામાં મૃત્યુ નિપજયું હતું. ધવલના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન કોન્ટ્રાકટર ધવલ કરશનભાઈ ડોબરિયાએ સ્યુસાઈડ નોટમાં શ્રીજી કૃપા કન્સ્ટ્રંકશનના માલિક સુમનભાઈ ધરસાણી,રૂડાના કાર્યપાલક ઈજનેર કમલેશ ગોંડલિયા, સંદીપ ગમઢા, સંજય સાકરીયા અને દર્શન સ્ટોનના મયુરભાઈ અને પિન્ટુ ઉર્ફે પિયુષ વલ્લભ પાનસુરિયા સહિત ૬ વ્યકતિના નામનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે હું દવા પીને આપઘાત કરૂ છુ, તેની પાછળ રાજકોટ રૂડામાં આવાસનું કામ ચાલતું હતું તે છે, મારા રૂપિયા મારા ભાગીદારો ખાઈ ગયા છે, માટે હું આપઘાત કરૂ છું. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.