ગાંધીનગર-

સુપ્રીમ કોર્ટના ફરજીયાત પરીક્ષા લેવાના નિર્ણય બાદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીના યુજી અને પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આવે છે અથવા પરીક્ષા આપી શકે તેમ નથી તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ 7 સપ્ટેમ્બર સુધી પૂરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

નોંધનીય છે કે નર્મદ યુનિવર્સિટી દ્વારા 2 જી સપ્ટેમ્બરથી પીજી અને 10 સપ્ટેમ્બરથી યુજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજાનાર છે. એકેડેમિક કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે જે વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષા આપવામાં અસમર્થ રહેશે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નર્મદ યુનિ. ની વેબસાઈટ પર જઈને 7 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જો કે વિદ્યાર્થી સંગઠન દ્વારા હજી પણ ઓફલાઈન પરીક્ષા અંગે વિરોધના સુર ઉઠી રહ્યા છે.