અમદાવાદ-

ચોરીદાર ચોર નીકળ્યો હોવાનો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં એક વેપારીએ તેની જમીનની દેખરેખ માટે પગી રાખ્યો હતો. બાદમાં પગીએ આ જમીન પચાવી પાડવા માટે કાવતરુ રચી વેપારીને ધાક ધમકી આપતો હતો. જેથી વેપારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

શહેરના જુહાપુરામાં રહેતા આમીર સુરતી નામના વેપારી પીરાણામાં કમલ પ્રોસેસ ટેક્સટાઈલનાં નામે કાપડનું ડાઈંગ અને પ્રિન્ટીંગનું કામ કરે છે. આમીરભાઈની ગ્યાસપુર ખાતે કેટલીક જમીન આવેલી છે. જો કે તે જમીનનું તે સંભાળ લઈ શકતા ન હોવાથી તેમણે જમીનનું ધ્યાન રાખવા માટે પગી મુરાદ ખાનને રાખ્યો હતો. બાદમાં નવેમ્બર 2020માં તેમણે જમીન ખાલી કરવાનું કીધુ હતુ. ત્યારે મુરાદ ખાને તેના પરિવાર સાથે જમીન ખાલી ન કરીને આમીરભાઈને ધમકી આપી હતી કે જો જમીન બાબતે કંઈ કહીશ તો તને જાનથી મારી નાખીશ. બાદમાં આમીરભાઈએ તેમની જમીન પરની ગતિવિધી જોવા માટે સીસીટીવી લગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મુરાદ પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણનાઓએ તેમને પ્રવેશ આપ્યો ન હતો. એટલુ જ નહીં મુરાદખાનની માતાએ સળગી જવાની અને મુરાદખાનની પત્નીએ કપડા ફાડી ખોટો કેશ કરવાની ધમકી આપી હતી. જેથી વેપારી આમીરભાઈએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણ સહીતના મળતીયાઓના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.