દિલ્હી-

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ​​વડાપ્રધાન મોદીની તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. બંગાળની ચૂંટણી બાદ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીની આ પહેલી બેઠક હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મેં કોરોના પર પીએમ મોદી સાથે વાત કરી. વધુ રસી અને દવાઓ આપવાનું જણાવ્યું હતું. વસ્તીની દ્રષ્ટિએ, બંગાળને બાકીના રાજ્યો કરતા ઓછી રસી મળી છે. ત્રીજી લહેર પહેલાં દરેકને રસી આપવાની જરૂર છે.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળનું નામ બદલવાની પણ વાત કરવામાં આવી છે. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે આ મુદ્દા પર વડાપ્રધાન દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે, ત્યારે તેમણે કહ્યું કે વડાપ્રધાને જે કહ્યું તે હું કહીશ તો સારું લાગશે નહીં. તેમણે કહ્યું, અમે જોઈશું.

પેગાસસ કેસ અંગે તેમણે કહ્યું કે, "પેગાસસ મુદ્દા પર ચર્ચા કરવા અને સુપ્રીમ કોર્ટની આગેવાની હેઠળની તપાસ અંગે નિર્ણય લેવા વડાપ્રધાને સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, બંગાળ સરકારે પેગાસસ કેસની તપાસનો આદેશ આપ્યો છે."મુખ્યમંત્રી મમતા વિરોધી પક્ષોના નેતાઓને મળી અને એકતાના સંકેત પણ આપ્યા. તેમણે કહ્યું કે હું આશાવાદી રહીશ. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે.