દહેરાદુન-

આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં તમામ સીટો પર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરતાં કહ્યું કે, તેમની પાર્ટી ઉત્તરાખંડની તમામ 70 સીટો પર ચૂંટણી લડશે. આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, બે વખત વ્યક્તિગત રૂપથી ઉત્તરાખંડ ગયા અને ત્યાંની જનતાને મળ્યાં જનતાની ફરિયાદ છે કે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ત્યાં ખેડૂતો માટે કંઇ કામ કર્યુ નથી. ભાજપે જનતાને ફક્ત ઠગવાનું કામ કર્યુ છે.

આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગત દિવસોમાં ઉત્તરાખંડનાં ૨ દિવસીય પ્રવાસ પર હતાં. ઉત્તરાખંડમાં બે વર્ષ બાદ વિધાનસભા ચુંટણી અંગે આમ આદમી પાર્ટીની સક્રિયતાને વધારવા માટે સિસોદિયા પ્રદેશનાં પ્રવાસે ગયા હતાં. હરિદ્વારથી તેનાં પ્રવાસની શરૂઆત કરી તે એક દિવસ રાજધાની દેહરાદૂનમાં પણ રોકાયા હતાં.

મનીષ સિસોદિયાંનાં પ્રવાસ અંગે ઉત્તરાખંડમાં રાજકારણ ગરમાઇ ગયુ છે. સત્તારુઢ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ મનીષ સિસોદિયાનાં પ્રવાસ પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહે કહ્યું હતું કે, આપનાં ઉત્તરાખંડમાં કોઇ અસ્તિત્વ નથી. જેનાં જવાબમાં આપનાં પ્રદેશ પ્રભારી દિનેશ મોહનિયાએ કહ્યું કે, જે ભૂલ કોંગ્રેસનાં દિવંગત નેતા શીલા દીક્ષિતે દિલ્હીમાં કરી હતી. તે ભૂલ પ્રીતમ સિંહ ઉત્તરાખંડમાં કરી રહ્યાં છે.