રાજકોટ-

ગોંડલ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા અજય બટુકભાઈ ધરજિયાના લગ્ન ત્રણ વર્ષ પહેલા રૂપિયા 2 લાખ 40 હજારમાં રમાબેન કાંતિલાલ વ્યાસ, રજિયાબેન અને સોનુ રાજેન્દ્ર મહારાષ્ટ્ર વાળાઓએ જયશ્રી ઉર્ફે પૂજા નામની યુવતી સાથે કરાવ્યા હતા. બે લગ્ન જીવન દરમિયાન એક બાળકનો જન્મ પણ થયો હતો. ત્યારબાદ જયશ્રી ઉર્ફે પૂજાને વચેટિયો સોનુ રાજેન્દ્ર પાઈકરાવ કોઈને જાણ કર્યા વગર માસૂમ બાળક સાથે લઈ જતા. આ સમગ્ર મામલે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે ફરિયાદની હાઇકોર્ટમાં મેટર થતા સિટી પીઆઈ એસ. એમ. જાડેજા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં લૂંટેરી દુલ્હને ફરી રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું જણાતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની પાસેથી વચેટિયાના સગડ મેળવ્યા હતા. તેમ જ બંનેને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે, જેમાં સામે આવ્યું હતું કે, માત્ર રૂ. 40 હજારમાં જ ત્રણ વર્ષના માસુમ બાળકને મુંબઈમાં વેંચી નાખ્યો હતો. આ વાત સામે આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. તેમ જ સિટી પીઆઈ એસ. એમ. જાડેજાએ એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર પીએસઆઈ આર. ડી. ચૌહાણ, રાજદીપસિંહ ચુડાસમા સહિતની પોલીસ ટીમને તપાસ અર્થે મુંબઈ રવાના કર્યા હતા અને ત્યાં પોલીસને જાણવા મળ્યું કે, માસુમ બાળક તમિલનાડુના કોઈમ્બતુરથી 90 કિમી દૂર રહેતા એક પરિવાર પાસે છે. પોલીસ પ્લેન મારફત તમિલનાડુ પહોંચી સ્થાનિક પોલીસની મદદ લઈ માસુમ બાળક પાસે પહોંચી હતી અને ગોંડલથી માસૂમ બાળકના પિતાને બોલાવી તેનો કબજો સોંપી સરાહનીય કાર્ય કર્યું હતું.