અમદાવાદ-

કેન્દ્ર સરકારે અનલોક-5માં નવરાત્રિ સહિતના તહેવારોમાં 100થી વધુ લોકોના ભેગા થવા આપેલી છૂટછાટને એડવોકેટ પ્રેમચંદ કોષ્ટી દ્વારા હાઇકોર્ટમાં પડકારાઈ છે. નવરાત્રિ અને દશેરા જેવા તહેવારોમાં હજારો લોકો એકઠાં થતાં હોય છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના કેસોના આંકડા દિવસે દિવસે વધી રહ્યાં છે, ત્યારે આ પ્રકારની મંજૂરી ઘાતકી સાબિત થઇ શકે છે. જેથી તેના પર રોક લગાવવા માટે કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. 

અમદાવાદઃ હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ કરેલી જાહેર હિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ મુખ્યપ્રધાનનેે ભલામણ કરવામાં આવી છે. જાહેરહિતમાં નવરાત્રિ, દશેરા સહિતની ઉજવણી સહિત તમામ રાજકીય, સામાજિક ઉત્સવો અને સભારંભો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઇએ. અનલોક-5ની ગાઇડલાઇનમાં કન્ટેઇનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં 100થી વધુ લોકોને ભેગા થવા છૂટ આપી છે, જે અયોગ્ય અને ગેરવાજબી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રોજ 1400 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાય છે. ત્યારે આ પ્રકારે મંજૂરી આપવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. અને રાજય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અને કેન્દ્ર સરકારની છૂટ નાગરિકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.