આણંદ : આણંદ શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. પાલિકાના વહીવટદાર દ્વારા અગાઉ સૂચનાઓ આપવા છતાંય દબાણકારોના પેટનું પાણી હલ્યું નથી. શહેર આખામાં ઠેર ના ઠેર દબાણો જાેવાં મળી રહ્યાં છે. આખરે આણંદ નગરપાલિકા તંત્ર દ્વારા ટીમો તૈયાર કરી આગામી બુધવારથી આક્રમક વલણ અપનાવી શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરી સફાયો બોલાવી દેવામાં આવશે. આ માટે હાલના પાલિકા વહીવટદાર એવાં ચીફ ઓફિસરે છેલ્લી તૈયારી કરી લીધી હોવાનું સૂત્રોનું કહેવું છે.  

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આણંદ પાલિકાના વહીવટદાર એવાં ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે અગાઉ સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકાની જગ્યાઓ સહિત જાહેર માર્ગો પર પાથરણાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. માર્ગો પર વારંવાર ટ્રાફિકજામ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તેમજ નગરજનોનીે ફરિયાદોના પગલે નગર પાલિકા હસ્તકની જગ્યાઓ ઉપરથી અને જાહેર માર્ગો પરથી સ્વેચ્છાએ દબાણો હટાવી લેવાં અપીલ કરાઈ હતી. આમ છતાંય પણ શહેરમાં ઠેરના ઠેર દબાણો જાેવાં મળતાં હોવાથી આણંદ નગર પાલિકા દ્વારા આક્રમક વલણ અપનાવી આગામી બુધવારે શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે દબાણોનો સફાયો કરી દેવામાં આવશે.

તંત્ર દ્વારા પાંચ જેટલી ટીમો પણ બનાવી આખરી ઓપ આપી દેવાયો છે. બીજી તરફ આણંદ પાલિકા દ્વારા દેખાડો પૂરતો વારંવાર દબાણો દૂર કરવામાં આવતાં હતાં. પાલિકાની ટીમો જતાંની સાથે દબાણકારો સંતાકૂકડીની જેમ પાછા ગોઠવાઈ ગયાં હતાં. નગરજનોની માગ છે કે, તંત્ર દ્વારા કાયમી ધોરણે દબાણોનો સફાયો કરવામાં આવે.