અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી સીન્ડીકેટની મીટિંગમાં 2021-22નું રૂ. 279.39 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં રૂ. 267.96 કરોડની આવક સામે 11.41 કરોડનો વધુ ખર્ચ આંકવામાં આવતા ખાધ સાથેનું બજેટ રજૂ થયું છે.

7 કરોડથી વધુના નવા ટેન્ડર્સ મંજૂર કરાયા

ગુજરાત યુનિવર્સિટીની મળેલી સીન્ડીકેટની મીટિંગમાં બજેટ મંજૂર કરવાની સાથે આવનાર વર્ષ માટે નવા બાંધકામ અને રીનોવેશનને લગતા 7 કરોડથી વધુના ડેન્ટરોને મંજૂરી આપવામા આવી છે. આ નવા કામોમાં ડ્રોન ટેકનોલોજી સેન્ટર, હોસ્ટેલ બ્લોક્સ અને એક્ઝામ સેન્ટર સહિતના કામોને ગ્રાન્ટ યુટિલાઈઝેશન હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.

પરીક્ષા ખર્ચમાં ઘટાડો કરાયો

ગુજરાત યુનિવર્સિટીના ગત 2020-21 વર્ષના રૂ.282 કરોડના બજેટ સામે આ વર્ષે 2021-22નું રૂ.279.39 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા ખર્ચમાં ગત વર્ષથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ કર્મચારી મહેનાતાણા સહિતના અન્ય ખર્ચમાં વધારો થતાં રૂ.11.41 કરોડની વધુ જાવક છે. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.8.10 કરોડની પરીક્ષા ફી આવક છે, જ્યારે કુલ રૂ.211 કરોડની ગ્રાન્ટ દર્શાવાઈ છે.