આણંદ : સરકાર દ્વારા અર્થતંત્રને વેગવાન બનાવવા સમયે સમયે છૂટછાટ આપવામાં આવી રહી છે, છતાં પણ લોકડાઉન બાદ ધંધાઓ પડી ભાંગ્યા છે. દિવાળી જેવો સૌથી મોટો તહેવાર માથા પર આવ્યો હોવા છતાં કોરોનાની અસર જોવાં મળી રહી છે. કોઈ પણ બજારમાં ઘરાકી જામતી નથી. કપડાં, મીઠાઈ, ગીફ્ટ, ઈલેક્ટ્રોનિક્સ તો છોડો ફટાકડાં બજારો પણ સૂમસામ છે. ચરોતરમાં બોરસદની ફટાકડાં બજાર રાજ્યભરમાં પ્રખ્યાત છે, પણ આ વર્ષે હજુ સુધી અહીં પણ મંદીએ ડેરા તંબુ બાંધ્યાં હોય તેવો માહોલ છે.  

દર વર્ષે એક અઠવાડિયા પહેલાં હોલસેલની સીઝન ખુલી જતી હોય છે. આ વર્ષે હજુ સુધી ચકલું પણ ફરક્યું નથી! છતાં પણ વેપારીઓ નાનો મોટો ધંધો થશે તેવી આશા સેવી રહ્યાં છે. બીજી તરફ ચાઇનીઝ આઇટમો પર પ્રતિબંધના પગલે ફટાકડાંના ભાવમાં પણ વધારો થયો છે. 

છેક સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના લોકો પણ ફટાકડાં ખરીદવા બોરસદ આવે છે!

બોરસદ ફટાકડાં માટે જાણીતું છે. અહીંની બજારમાં દરેક પ્રકારની વેરાયટી એકદમ વાજબી ભાવે મળે છે, જેને લઈ દર વર્ષે અહીંયા સૌરાષ્ટ્રના અમરેલી, મોરબી, રાજકોટથી લઈને દક્ષિણમાં સુરત, નવસારીના લોકો ફટાકડાં ખરીદવા માટે મોટી સંખ્યામાં અહીં આવતાં હોય છે.

દેશીકોઠી, સુતરી બોમ્બ બોરસદમાં જ બંને છે!

બોરસદમાં દેશીકોઠી અને દેશી સુતળી બૉમ્બનું પ્રોડક્શન થાય છે, જે શિવકાશી કરતાં સસ્તા મળી રહે છે. ગુજરાતભરમાંથી બોરસદની કોઠી અને દેશી સુતળી બૉમ્બના ઓર્ડરો વેપારીઓ દ્વારા આપવામાં આવતાં હોય છે.

ફટાકડાંની બે સીઝન - લગ્નસરા અને દિવાળી

ફટાકડાંની બે સીઝન હોય છે, લગ્નસરા અને દિવાળી. લગ્નની સીઝન માટે ફેબ્રુઆરી અને માર્ચમાં ઓર્ડર આપવામાં આવે છે, જ્યારે દિવાળી માટે મે મહિનામાં ઓર્ડર આપવામાં આવતાં હોય છે. જોકે, આ વખતે લોકડાઉન કરવામાં આવતાં લગ્નસીઝન જેવું કંઈ હતું જ નહીં. બધો માલ એમને એમ પડી રહ્યો છે. હવે વેપારીઓ આ માલને દિવાળી સમયે વેચી નાખવાનું મુનાસીબ માન્યું છે.

ફટાકડાંના ઉત્પાદનમાં પણ લોકડાઉન પડ્યું!!

શિવકાશીમાં પણ લોકડાઉનની સ્થિતિના કારણે ફટાકડાનું ઉત્પાદન દર વર્ષે કરતાં ખુબ જ ઓછું થયું છે. બોરસદના સ્થાનિક દેશીકોઠી અને સુતળી બોમ્બ બનાવવામાં પણ લોકડાઉનની અસર થઈ હતી, જેને લઈ તેનું ઉત્પાદન પણ જોઈએ તેટલું થયું નથી.

આ વર્ષે ૫૦ ટકા ધંધો માંડ થશે : વેપારીઓ

દર વર્ષે બોરસદના વેપારીઓ દ્વારા દિવાળી સમયે ૧૪ થી ૧૬ કરોડ અને લગ્નસીઝનમાં ૫થી ૬ કરોડનો ધંધો કરવામાં આવતો હોય છે. આ વર્ષે લગ્નસીઝન જેવું કંઈ હતું જ નહીં, જયારે દિવાળીએ પણ ૫૦ ટકા સુધી ધંધાની આશા દેખાઈ રહી છે.

એકપણ ચાઈનીઝ ફટાકડો બજારમાં નથી

બોરસદ અને તાલુકામાં ગયાં વર્ષે ચાઈનીઝ ફટાકડાં બજાર હતાં. ચાઇનીઝ આઇટમોનો ધંધો આશરે એકથી દોઢ કરોડ રૂપિયાનો હતો. ખાસ કરીને ચાઈનીઝ ફટાકડા, ફૂલઝડી, માચીસ, બટરફ્લાય, વિવિધ પ્રકારની સાયરન, બંદૂક, પૉપપૉપ સહિતની આઇટમોનું વેચાણ થતું હતું. જોકે, આ વર્ષે ચાઈનીઝ ફટાકડાંની એક પણ આઈટમ બજારમાં આવી નથી.

બોરસદમાં ૫૦થી વધુ પરવાનેદાર દુકાનો

બોરસદ તાલુકામાં દારૂખાનાની ૪૦થી ૫૦ દુકાનો આવેલી છે. ૧૦ મોટા વેપારીઓ છે, જે સીધાં શિવકાશીથી માલ લાવે છે અને તેનું કટિંગ શહેર અને ગ્રામ્યમાં કરે છે. દર વર્ષે દિવાળી સમયે હંગામી પરવાના આપવામાં આવે છે.

બોરસદમાં ૫૦થી વધું પરવાના વગરની હાટડીઓ!!

બોરસદમાં પરવાના વગરની ૫૦થી વધુ દુકાનો છે, જેમાં ૧૩થી ૧૫ કરોડ સુધીનો વેપાર થતો હોય છે. આ વર્ષે કોરોનાને લઈ ૬થી ૭ કરોડના વેપારની આશા માંડ દેખાઈ રહી છે.

ભાવ વધ્યાં, ગ્રાહકો ઘટ્યાં!!

 ગત વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી ૭૦ રૂપિયે કિલો સુતળી મળતી હતી. લોકડાઉન બાદ ભાવમાં અચાનક વધારો થઇ ગયો હતો. આ વર્ષે તેનો ભાવ ૧૨૦ રૂપિયે કિલો થઇ ગયો હતો. જેને કારણે સુતળી બૉમ્બના પેકેટને ૩૩ રૂપિયે હોલસેલમાં વેચાતા હતાં તે પેકેટ આ વખતે ૩૫ રૂપિયે તો તૈયાર થાય છે, જેને ૩૭ રૂપિયે વેચવામાં આવે છે. સામે ગ્રાહકો ઘટ્યાં છે.