ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક રહી છે. આ લહેરમાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ સમયમાં સરકારે 10 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ફરીવાર એક નવો કોર્સ કરવો પડશે.રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે ધોરણમાં ભણતા હોય તેના પાછલા ધોરણના અભ્યાસક્રમને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.

બ્રિજ કોર્સ માટેનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. આ સાહિત્ય વિદ્યાર્થીઓને 7 જૂન સુધીમાં પહોંચાડવામાં આવશે. બ્રિજ કોર્સ અંગે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવનાર છે. બ્રિજ કોર્સ પૂર્ણ થયા બાદ શિક્ષકો દ્વારા ચકાસણી કરાશે અને વિદ્યાર્થીઓના અભ્યાસની બાબતો જાણી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ અંતર્ગત અધ્યયન કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલ, યૂટ્યૂબ, વોટ્સએપ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા તેમજ ઘરે શીખીએ સાહિત્યના માધ્યમથી હોમ લર્નિંગ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો.રાજ્યમાં 7 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.