વડોદરા, તા. ૧૦

કિશનવાડી વિસ્તારમાં રહેતો ૧૪ વર્ષીય કિશોર કેટરીંગના કામ માટે મિત્રો સાથે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થવાના બનાવમાં કિશોરનું ૧૩ દિવસ અગાઉ તેના મિત્રો સાથે સમા કેનાલમાં ન્હાવા માટે પડ્યા બાદ તેનું ડુબી જવાના કારણે મોત થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જાેકે કિશોર સાથે ગયેલા મિત્રોએ આ સમગ્ર વાત છુપાવી કિશોર કેટરીંગના કામ માટે ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવતા પોલીસને કિશોરના અપહરણની ફરિયાદ નોંધવી પડી હતી. આજે અંકોડિયા કેનાલ પાસેથી ડીકંપોઝ હાલતમાં મળેલી એક લાશ ગુમ થયેલા કિશોરનું હોવાનું સપાટી પર આવતા પોલીસે મોડી સાંજે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી પરિવારજનો પાસે તેની ઓળખ છતી કરાવી હતી.

કિશનવાડી વિસ્તારના શ્રમજીવી દંપતીનો ૧૫ વર્ષીય પુત્ર અક્ષય ઠાકોર તેના વિસ્તારની શાળામાં ધો.૯માં અભ્યાસ કરતો હતો. અક્ષયને તેના માતા-પિતા માત્ર અભ્યાસમાં ધ્યાન રાખવાનું વારંવાર કહેવા છતાં તે લગ્નની સિઝનમાં તેના મિત્રો સાથે કેટરીંગના ઓર્ડરમાં પીરસવાનું કામ કરવા જતો હતો. ગત ૨૮મી નવેમ્બરના બપોરે અક્ષયનો મોબાઈલ ફોન આપવા માટે ઘરે આવેલા કિશનવાડીમાં રહેતા મિત્રએ પરિવારજનોને જણાવ્યું હતું કે અક્ષય કેટરીંગના કામ માટે ગયો છે અને મોબાઈલ ફોનની બેટરી ઉતરી ગઈ છે માટે તેણે ફોન ઘરે આપી દેવા જણાવ્યું છે. જાેકે નવ દિવસ બાદ અક્ષય ઘરે નહી આવતા તેનું અપહરણ કરાયાની વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવની વારસિયા પીઆઈ સગરે તપાસ શરૂ કરી હતી જેમાં અક્ષયના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન સમા વિસ્તારમાં મળ્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં અક્ષય તેના પાંચ મિત્રો સાથે ખોડિયારનગર ચારરસ્તાથી રિક્ષામાં બેસીને રવાના થયા બાદ તેના પાંચેય મિત્રો અક્ષય વિના પરત ફરતા દેખાયા હતા. પોલીસે તેના સગીર વયના મિત્રોને વિશ્વાસમાં લઈને પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે ૨૮મી તારીખે તેઓ બધા સમા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા જયાં ન્હાતી વખતે અક્ષય ડુબી જતા તેઓ ગભરાઈને ઘરે પરત ફર્યા હતા અને અક્ષય ડુબી ગયો હોવાની વાત છુપાવી હતી. પોલીસે તુરંત સમા કેનાલ પર તપાસ કરી હતી જેમાં અક્ષયના કપડા પણ મળી આવ્યા હતા જેથી તે ડુબી ગયો હોવાની વાતને સમર્થન મળ્યું હતું. આ દરમિયાન આજે સવારે અંકોડિયા પાસેની કેનાલમાં એક યુવકની ડીકંપોઝ હાલતમાં લાશ મળી હતી. આ લાશ અક્ષયની હોવાની પ્રાથમિક વિગતો મળતા વારસિયા પોલીસે લાશને મોડી સાંજે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમ પર અક્ષયના પરિવારજનો પણ દોડી આવતા તેઓએ લાશને ઓળખી બતાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લાશ ડીકંપોઝ થતાં ખરાઈ માટે ડીએનએ ટેસ્ટ કરાવાશે

આ બનાવ અંગે પીઆઈ સગરે જણાવ્યું હતું કે તાલુકા પોલીસની હદમાં મળેલી લાશ અંગે ૨૪ વર્ષના અજાણ્યા યુવકની નોંધ કરાઈ છે. લાશ પાણીમાં પડી રહેવાના કારણે ફુલી ગઈ હોઈ ઉંમર અંગે પ્રશ્નાર્થો સર્જાયા છે. જાેકે લાશ અક્ષયની જ છે કે કેમ તેની ખાત્રી કરવા માટે લાશ અને તેના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

મિત્રોમાં અક્ષય સૌથી મોટો હોઈ તે સમા કેનાલમાં ન્હાવા પડયો હતો

અક્ષય સહિત છ મિત્રો બપોરે સમા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા જયાં તમામ મિત્રોએ અક્ષય ઉંમરમાં સૈાથી મોટો હોઈ તે કેનાલ કિનારે કપડા કાઢી ન્હાવા પડ્યો હતો. જાેકે તે ડુબવા માંડતા એક મિત્ર તેમજ ત્યાં હાજર એક દાઢીવાળા યુવકે તેને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાેકે પાણીનું વહેણ વધુ હોઈ અક્ષય પાણીમાં ગરકાવ થતાં તેના મિત્રો અક્ષયના કપડા ત્યાં જ છોડી ગભરાઈને ઘરે પરત ફર્યા હતા અને તેના ઘરે મોબાઈલ ફોન આપી તે કેટરીંગના કામે ગયાનું જણાવ્યું હતું.