મગરના આંસુ પણ કેટલાંકને માટે ઉપયોગી છે ! 

આવું વાંચીને તમને થશે કે, ગુજરાતી કહેવતની કોઈ વાત હશે, પણ અહીં તેનાથીય વધારે રસપ્રદ વાત આજે કરવી છે, અને તે પણ મગરના આંસુ સાથે સંકળાયેલા વિજ્ઞાનની વાત !

વાત એમ છે કે, પ્રાણી વૈજ્ઞાનિકો જ્યારે મગર પર રીસર્ચ કરતા હતા ત્યારે, તેમને એક અચરજકારક બાબત જાેવા મળી. પતંગીયા, મધમાખી કે માખી જેવા કીટકો ઘણેભાગે આંખ મટકાવ્યા વગર બેસી રહેતા મગરની આંખોના કિનારા સુધી સરકીને પહોંચી જતાં હતા. ત્યાં પહોંચીને આ પ્રાણીઓ આપણે જેને મગરના આંસુ કહીએ છીએ એ પ્રવાહીને મજેથી ‘સીપ’ કરતા હતા. કીટકો આવું પ્રવાહી મોજથી પીવે એ બાબતે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું.

વાત એમ છે કે, મગરના આંસુમાં એવા પોષકતત્વો હોય છે, જે કિટકોને પેટ ભરવા માટે કામ લાગી જાય છે.ખાસ કરીને પાણી અને પ્રોટીન એવા બે પોષકતત્વો મગરના આંસુમાં ભરપૂર હોય છે.

પણ વાત એટલેથી પૂરી થતી નથી. સવાલ એ છે કે, મગરભાઈ રડે ક્યારે અને આંસુ વહે ક્યારે ! મગરભાઈના પરોણા એવા આ કીટકોએ - મગરભાઈનું હાર્ટબ્રેક થાય, અને તેઓ અપસેટ થઈને રોવા માંડે ત્યાં સુધી કંઈ - રાહ જાેવી પડતી નથી. જાે એમ હોય તો, બાપડા કીટકોએ ભૂખે મરવાનો વારો આવે ! કેમ કે, હાર્ટબ્રેક કે બીજા કોઈ કારણસર રડવાનું તો ભગવાને માણસને જ શિખવાડ્યું છે, પ્રાણીઓને નહીં. ખાસ કરીને માણસ જ્યારે રડે છે, ત્યારે જ તેને આંસુ વહે છે. પરંતુ મગરભાઈની કે કેટલાંક અન્ય પ્રાણીઓની બાબતમાં આ સાચું નથી. તેઓના શરીરમાં એવા કોઈ ‘ઈમોશનલ અત્યાચાર’ વિના પણ આંસુઓ કે આંખનું પ્રવાહી ઉત્પન્ન થતું રહે છે. વળી એમાં પાણી, મ્યુકસ જેવું શરીરનું કોષયુક્ત પ્રવાહી, ક્ષારો, પ્રોટીન અને ચરબી પણ હોય છે અને તેથી કીટકો માટે તો આ એક તગડા ભોજન જેવી પાર્ટી જ થઈ જાય છે.

આવા કેટલાંક પ્રાણીઓમાં તેમની આંખોની પાસે ‘લેક્રીમલ ગ્લેન્ડઝ’ નામની ગ્રંથીઓ હોય છે, જેને તમે સાદી ભાષામાં આંસુઓ બનાવનારી અશ્રુગ્રંથીઓ કહી શકો. આ ગ્રંથીઓ સતત આંસુ બનાવ્યા કરે છે, જેનાથી પ્રાણીની આંખોમાંની ધૂળ, કાદવ કે અન્ય નુકસાનકારક પદાર્થો ધોવાઈને બહાર નીકળી જાય છે. સાથે સાથે આ રસપાન કરતા કીટકો માટે તો માનો કે ભરપેટ ભોજન કરવાનું ‘લંગર’ જ લાગી જાય છે !

ઉપર લેક્રીમલ જેવું નામ વાંચીને થોડુંક વિચિત્ર લાગ્યું હોય તો તેને પણ સરળ કરી નાંખીએ. લેટીન શબ્દ લેક્રીમાનો અર્થ આંસુ થાય છે. તેથી જ આંસુ લઈ જતી નળીને ‘લેક્રીમલ ડક્ટ’ કહે છે. વળી, જે ખાય તેને ‘ફેગોઝ’ કહેવાય છે. પ્રાણીઓના આંસુ પીવાની આ પ્રક્રિયાને પણ તેથી જ એક રસપ્રદ નામ અપાયું છે, ‘લેક્રોફેજી’. બોલો, કોઈ હવે તમને ‘લેક્રોફેજી’ વિશે કંઈપણ કહે, તો તમને કન્ફ્યુઝન તો નહીં થાય ને?!


લેખકઃ વિજય યાજ્ઞિક